ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાને ભારે હારનો સામનો કરવો પડ્યો હતો. ઑસ્ટ્રેલિયન ટીમ સામે ગિલની સેના ઘૂંટણીએ વળી ગઈ અને કરોડો ચાહકો નિરાશ થઈ ગયા. આ હારને જોઈને લોકોની યાદમાં ફરી એક વખત તે દુઃખદ ઘટના તાજી થઈ ગઈ –
જ્યારે ટીમ ઈન્ડિયાની હાર એક લોકપ્રિય અભિનેતાના મૃત્યુનું કારણ બની હતી.હા, ક્રિકેટ માટે ભારતીયોના પ્રેમ અને જુસ્સાની હદ શું હોઈ શકે છે, તે કોઈ છુપાવાની વાત નથી. ક્યારેક આ દીવાનગી એટલી વધી જાય છે કે જીવલેણ સાબિત થાય છે. આજે અમે તમને એવા જ એક અભિનેતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ક્રિકેટના એટલા મોટા ચાહક હતા કે ભારતની હાર તેઓ સહન ન કરી શક્યા અને દિલનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ થઈ ગયું.
અમે વાત કરી રહ્યા છીએ 80 અને 90ના દાયકાના જાણીતા અભિનેતા શફી ઈમાનદારની. શફી ઈમાનદાર અનેક ફિલ્મો અને ટીવી શોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી ચૂક્યા હતા. પોઝિટિવ કે નેગેટિવ – દરેક પ્રકારના રોલમાં તેઓએ પોતાની અભિનય કળાથી પ્રભાવ પાથર્યો હતો. પરંતુ ખૂબ ઓછા લોકોને ખબર હશે કે ભારતની હાર જ તેમના જીવનનો અંતિમ કારણ બની હતી.મિડિયા રિપોર્ટ્સ મુજબ, શફી ઈમાનદાર ક્રિકેટના ડાય-હાર્ટ ફેન હતા. તેમને ક્રિકેટ માટે એવો જુસ્સો હતો કે ફિલ્મની શૂટિંગ દરમિયાન પણ તેઓ વારંવાર ભારતનો સ્કોર પૂછતા અને બ્રેક મળતાં જ ટીવી સામે બેસી જતાં.પરંતુ 13 માર્ચ 1996નો દિવસ તેમના જીવનમાં કાળરૂપ બની આવ્યો.
એ દિવસે કોલકાતાના ઈડન ગાર્ડન મેદાનમાં ભારત અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડ કપનો સેમિફાઈનલ મેચ ચાલી રહ્યો હતો. મેચ દરમિયાન ભારતની હાર નિશ્ચિત થતાં જ સ્ટેડિયમમાં હંગામો મચી ગયો હતો. એ જ સમયે શફી ઈમાનદાર પણ આ મેચ ટીવી પર જોઈ રહ્યા હતા.ભારતની હાર જોઈને તેમને એટલો આઘાત લાગ્યો કે તેમને તાત્કાલિક હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થઈ ગયું.
માત્ર 50 વર્ષની ઉંમરે શફી ઈમાનદાર દુનિયાને અલવિદા કહી ગયા.તેમને સંતાન નહોતું અને તેમના નિધન બાદ તેમની પત્ની ભક્તિ બરવે એકલી રહી ગઈ. શફીના મૃત્યુના કેટલાક વર્ષો બાદ, 2001માં ભક્તિ બરવેનું પણ રોડ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું.તે દિવસ માત્ર ભારતની ક્રિકેટ ટીમ માટે નહીં, પરંતુ ફિલ્મ જગત માટે પણ એક અંધકારમય દિવસ સાબિત થયો હતો.