હોર્મુઝની સમુદ્રધૂની બંધ છે, એલપીજી અને ક્રૂડ ઓઈલની અછત છે – પણ ચિંતા ન કરો, ભારત પાસે 40 દેશોનો સાથ અને વર્ષોની તૈયારી છે. ઈન્ડિયાનો ‘પ્લાન-બી’ રેડી છે. નમસ્કાર, હું છું શ્રુતિ અને આપ જોઈ રહ્યા છો ‘ખર્ચો પાણી’.થોડા વર્ષો પહેલા સુધી આપણે ત્યાં મોટાભાગનું ક્રૂડ ઓઈલ સાઉદી અરેબિયા, ઈરાક, યુએઈ કે કુવૈત જેવા મધ્ય પૂર્વના દેશોમાંથી આવતું હતું. આ દેશોમાંથી તેલ લાવવા માટેનો મુખ્ય રસ્તો ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ રહ્યો છે,
જેની ચાવી હંમેશા ઈરાનના હાથમાં રહી છે. આ નિર્ભરતા ઘટાડવા માટે ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રયાસો કર્યા અને દેશોનો એક એવો સમૂહ (પુલ ઓફ કન્ટ્રીઝ) તૈયાર કર્યો જેથી કોઈ એક દેશ પર આધાર રાખવો ન પડે. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ, ભારત હવે લગભગ 40 અલગ-અલગ દેશો પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદે છે. હવે સ્થિતિ એવી છે કે આશરે 60% ક્રૂડ ઓઈલની આયાત મધ્ય પૂર્વના બહારના દેશોમાં ડાયવર્સિફાય કરવામાં આવી છે. જેમાં રશિયા, અમેરિકા, બ્રાઝિલ, નાઈજીરિયા અને અંગોલા જેવા દેશો સામેલ છે.આ દેશોમાંથી તેલ કયા રસ્તે આવે છે તે સમજવું જરૂરી છે. રશિયાથી આવતા ઓઈલ ટેન્કરો પેસિફિક મહાસાગરના રસ્તે એશિયા થઈને ભારતના પૂર્વી તટ (જેમ કે ઓડિશાના પોર્ટ્સ) સુધી પહોંચે છે. બીજો મહત્વનો રસ્તો ‘કેપ ઓફ ગુડ હોપ’ છે,
જે આફ્રિકાના દક્ષિણ છેડેથી પસાર થાય છે. નાઈજીરિયા અને અંગોલા જેવા આફ્રિકાના દેશો તેમજ અમેરિકા અને બ્રાઝિલનું તેલ આ જ રસ્તે મુંબઈ પોર્ટ સુધી પહોંચે છે. જો હોર્મુઝના રસ્તે તકલીફ પડે તો પણ ભારત પાસે પેસિફિક, એટલાન્ટિક અને કેપ ઓફ ગુડ હોપ જેવા વિકલ્પો છે. જોકે આ રસ્તા લાંબા અને ખર્ચાળ છે, પણ તેનાથી નિર્ભરતા ઘટાડવી અશક્ય નથી.હવે એલપીજી (LPG) ની વાત કરીએ. ભારત દુનિયાનો બીજો સૌથી મોટો એલપીજી ગ્રાહક છે.
આપણે આપણી જરૂરિયાતનો લગભગ 67% એલપીજી આયાત કરીએ છીએ, જેનો મોટો હિસ્સો સાઉદી અરેબિયા, કતાર, યુએઈ અને કુવૈતથી આવે છે. યુદ્ધને કારણે જો હોર્મુઝનો રસ્તો રોકાય તો ભારત નવા વિકલ્પો શોધી ચૂક્યું છે, જેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અલ્જીરિયા સામેલ છે. અમેરિકાના ટેક્સાસ અને લુઈસિયાનાથી આવતા જહાજો એટલાન્ટિક અને કેપ ઓફ ગુડ હોપ થઈને ભારતના પશ્ચિમ તટ પર પહોંચે છે, જે હોર્મુઝને પૂરેપૂરું બાયપાસ કરે છે. નવેમ્બર 2025માં ભારતે અમેરિકા સાથે એક વર્ષનો કોન્ટ્રેક્ટ કર્યો હતો, જેના હેઠળ 2026માં લગભગ 22 લાખ ટન એલપીજી અમેરિકાથી આવશે. અલ્જીરિયાથી આવતો ગેસ મેડિટેરેનિયન સમુદ્ર અને સુએઝ કેનાલ દ્વારા ભારત પહોંચે છે
. જ્યારે ઓસ્ટ્રેલિયાથી પેસિફિક મહાસાગર થઈને સીધો રસ્તો મળે છે.આયાત ઉપરાંત ભારતે દેશની અંદર પણ કડક પગલાં લીધા છે. 5 માર્ચ 2026ના રોજ સરકારે રિફાઇનરીઓને એલપીજી ઉત્પાદન વધારવા આદેશ આપ્યો, જેના પછી ઘરેલું ઉત્પાદનમાં 10% નો વધારો થયો છે. રિલાયન્સની જામનગર રિફાઇનરી (ગુજરાત), ઇન્ડિયન ઓઇલની પાણીપત, મથુરા, હલ્દિયા અને બરૌની રિફાઇનરીઓ તેમજ ભારત પેટ્રોલિયમની કોચી રિફાઇનરી એલપીજી ઉત્પાદનના મુખ્ય કેન્દ્રો છે.
ભારતની રિફાઇનરીઓ મુખ્યત્વે પેટ્રોલ-ડીઝલ માટે ડિઝાઇન થયેલી છે, તેથી એલપીજીનો હિસ્સો ઓછો રહે છે, પણ હવે ક્ષમતા વધારવા પર ભાર મુકાઈ રહ્યો છે.રસપ્રદ વાત એ છે કે એલપીજીની અછતના સમાચારો વચ્ચે રસોડામાં વપરાતા ‘ઈન્ડક્શન સ્ટોવ’નું વેચાણ અચાનક વધી ગયું છે. ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવા પ્લેટફોર્મ્સ પર ઇન્ડક્શનની માંગ 3 થી 20 ગણી વધી ગઈ છે. લોકો ભવિષ્યની અનિશ્ચિતતાથી બચવા માટે બેકઅપ તરીકે ઇન્ડક્શન ખરીદી રહ્યા છે.એકંદરે જોતા, ભારત ક્રૂડ ઓઈલ અને એલપીજી માટે કોઈ એક દેશ કે રસ્તા પર નિર્ભર ન રહે તે દિશામાં મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. આ વિષય પર તમારા શું વિચારો છે તે અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવશો.