થોડા દિવસ પહેલાં સુરતનાં પ્રખ્યાત ગાયિકા આરતી સાંગાણીએ પોતાની સાથે પ્રોગ્રામ્સમાં પર્ફૉર્મ કરનાર અને તબલાવાદક દેવાંગ ગોહેલ સાથે ‘લગ્ન’ કર્યાના સમાચાર આવતાં આખો મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.નોંધનીય છે કે આ પહેલાં ગાયિકા કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા મામલે જ્ઞાતિ બહાર સગપણ કર્યા મામલે કિંજલ અને તેમના પરિવારને જ્ઞાતિ બહાર કરવાની જાહેરાત કરી હતી.
જે બાદ રાજ્યમાં દીકરીઓનાં જ્ઞાતિ બહાર લગ્ન અને સગાઈ કરવા મામલે ચર્ચા છેડાઈ હતી. આ મુદ્દે ઘણા દિવસો સુધી સોશિયલ મીડિયા સહિતનાં માધ્યમોમાં પક્ષવિપક્ષમાં દલીલો પણ થતી જોવા મળી હતી.હવે ફરી એક વાર આરતી સાંગાણી અને દેવાંગ ગોહેલનાં ‘લગ્ન’ના સમાચાર બાદ આ મામલો ચર્ચામાં આવ્યો છે.આરતી સાંગાણીનાં ‘પ્રેમલગ્ન’ના દાવા બાદ પાટીદાર સમાજના ઘણા અગ્રણીઓ, રૂઢિચુસ્ત વિચારો ધરાવતા લોકો અને આરતીના પરિવાર દ્વારા આરતી અને દેવાંગ ગોહેલનાં ‘લગ્ન’નો ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો છે.આરતીના પરિવારજનો આ ‘લગ્ન’ને ‘દીકરીનો વિશ્વાસઘાત’ ગણાવી રહ્યા છે,
તો બીજી બાજુ કેટલાક પાટીદાર અગ્રણીઓ અને દીકરીનાં અન્ય જ્ઞાતિમાં લગ્ન વિરુદ્ધનો મત ધરાવતા લોકો આરતીના ‘સામાજિક બહિષ્કાર’ અને તેમના મ્યુઝિક પ્રોગ્રામોના ‘વિરોધ અને બહિષ્કાર’ની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.જોકે, આ બધી ટીકાટિપ્પણીઓનો આરતીએ પણ પોતાના સોશિયલ મીડિયા પેજ પર વીડિયો જાહેર કરીને જવાબ આપ્યો છે.
તેમણે તેમનાં ‘લગ્ન’ની ટીકા મામલે વીડિયોમાં કહ્યું છે કે ‘પ્રેમ કરવો કોઈ ગુનો નથી.’ તેમણે પટેલ સમાજ સામે માર્મિક સવાલ કરતાં કહ્યું હતું કે, ‘જો પટેલ સમાજમાં મારાં લગ્ન થયાં હોત અને ત્યાં મને દુ:ખ પડ્યું હોત તો શું સમાજ ઊભો થાત?’આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, “ટીકાને બદલે એવું વાતાવરણ બનાવવું જોઈએ કે જેથી દીકરીઓ આવું પગલું ન ભરે અને કહી શકે કે મને પ્રેમ છે.”
નોંધનીય છે કે કેટલાક લોકોએ આરતી સાંગાણી અને દેવાંગ ગોહેલનાં ‘પ્રેમલગ્ન’ની કાયદેસરતા સામે પણ સવાલ ઉઠાવ્યા હતા અને આરતી સાંગાણી દ્વારા સેંથો પૂરવા અને મંગળસૂત્ર પહેરવા સામે પણ વાંધો વ્યક્ત કર્યો હતો.સોશિયલ મીડિયા પર દેવાંગ ગોહેલની લગ્ન માટેની ઉંમર પૂરી ન થતી હોવાના અને આરતી સાંગાણી અને દેવાંગ ગોહેલે ‘મૈત્રીકરાર’ કર્યાના દાવા પણ કરાયા હતા.
આરતી સાંગાણીની મોટા ભાગે લગ્ન કાર્યક્રમો અને અન્ય પ્રસંગોએ યોજાતા કાર્યક્રમોમાં ડિમાન્ડ રહેતી. જોકે, તાજેતરના ઘટનાક્રમ બાદ એક પછી એક તેમના ઘણા કાર્યક્રમો રદ થયા છે. લોકો સામેથી તેમના કાર્યક્રમો રદ કરાવી રહ્યા છે, તો કેટલાકમાં અન્ય લોકો આયોજકોને તેમના કાર્યક્રમો રદ કરવા સમજાવી રહ્યા છે.આરતી સાંગાણીએ સુરત અને આસપાસનાં વિસ્તારનાં એક લોકપ્રિય સિંગર છે. તેઓ સ્ટેજ શો અને ગાયન કાર્યક્રમો થકી જાણીતાં બન્યાં હોવાનું જાણવા મળ્યું છે.
આરતીના પિતા સંજયભાઈ સાંગાણીએ આપેલી માહિતી પ્રમાણે ગત 16 ડિસેમ્બરના રોજ આરતી ભાવનગરના મેંદરડા ખાતે પ્રોગ્રામ પૂરો કરીને બસમાં પરત આવે છે એવું જણાવીને ઘરે પરત ફર્યાં નહોતાં.આરતીનો ફોન અચાનક ફોન બંધ થઈ જતાં 17 તારીખે તેમની ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી.જોકે, એ બાદ પરિવારજનો અને અન્યોને આરતી સાંગાણીએ તેમની સાથે કાર્યક્રમોમાં પર્ફૉર્મ કરતાં તબલાવાદક દેવાંગ ગોહેલ સાથે ‘પ્રેમલગ્ન’ કરી લીધાં હોવાની જાણ થઈ હતી.
જે બાદ વિવાદ થયો હતો.આરતીની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલને જોતાં ખબર પડે છે કે તેમના ગાયન અને પર્ફૉર્મન્સના ઘણા ચાહકો છે.ઇન્સ્ટાગ્રામ પર તેમના 1.47 લાખ ફોલોઅર છે. તેમના એકેક વીડિયોને હજારો વ્યૂઝ અને લાઇક્સ મળે છે.તેમના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર તેમણે પોતાની જાતને ‘ગાયિકા’ અને ફેસબુક એકાઉન્ટ પર તેઓ પોતાની જાતને ‘ક્લાસિકલ લોક ગાયિકા, ગીત લેખિકા અને ડિજિટલ ક્રિએટર’ ગણાવે છે.