ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેએ તેના ચાહકોને એક મોટી ખુશખબરી આપી છે. વર્ષ 2023માં પવન જોષી સાથેની સગાઈ તૂટ્યાના બે વર્ષ બાદ કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ અભિનેતા અને ઉદ્યોગપતિ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી લીધી છે. 5 ડિસેમ્બરના રોજ ગોળધાણાની રસમ યોજાઈ હતી અને ત્યારબાદ 6 ડિસેમ્બરે સગાઈ સેરેમની યોજવામાં આવી હતી
કિંજલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર સગાઈનો વીડિયો પોસ્ટ કરીને આ સત્તાવાર જાહેરાત કરી હતી, જેમાં તેણે “ગોડ્સ પ્લાન” લખીને પોતાના નવા જીવનની શરૂઆતનો સંકેત આપ્યો હતો. લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહેલા આ યુગલે હવે સગાઈના પવિત્ર બંધનથી પોતાના સંબંધોને સત્તાવાર માન્યતા આપી છે, જેના કારણે તેમના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કોણ છે કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ?કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ માત્ર એક અભિનેતા જ નથી, પરંતુ તેઓ એક સફળ ઉદ્યોગપતિ અને પ્રતિષ્ઠિત બિઝનેસ ફેમિલીમાંથી આવે છે. ધ્રુવિન શાહ મલ્ટી-ટેલેન્ટેડ વ્યક્તિત્વ ધરાવે છે અને તેઓ ગુજરાતી ફિલ્મો તથા કન્ટેન્ટ માટેની લોકપ્રિય એપ્લિકેશન ‘જોજો એપ’ (JoJo App)ના ફાઉન્ડર પણ છે.
ધ્રુવિન શાહ ગુજરાતી કલા અને ટેકનોલોજીના ક્ષેત્રે એક જાણીતું નામ છે. તેમના અભિનય અને વ્યવસાયિક સફળતાને કારણે તેઓ યુવા ઉદ્યોગસાહસિકોમાં એક પ્રેરણાદાયક વ્યક્તિ તરીકે ઊભરી આવ્યા છે.
કિંજલ દવે અને ધ્રુવિન શાહના સગાઈના સમાચારે સ્પષ્ટ કર્યું છે કે કિંજલ દવેએ પોતાના જીવનમાં આગળ વધીને એક નવો અધ્યાય શરૂ કર્યો છે. ચાહકો હવે આ નવા યુગલને અભિનંદન પાઠવી રહ્યા છે અને તેમના લગ્નના સમાચારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.ધ્રુવિન શાહના બહુમુખી પ્રતિભા અને કિંજલ દવેની લોકપ્રિયતાને જોતાં, આ બંનેની જોડી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક પાવર કપલ તરીકે ઊભરી આવવાની સંભાવના છે.