ધર્મેન્દ્રના નિધન પછી પ્રોડ્યુસર-ડિરેક્ટર કે.સી. બોકાડિયાએ સાથેની વાતચીતમાં ધર્મેન્દ્રને યાદ કર્યા અને તેમના વિશે ઘણા કિસ્સાઓ શેર કર્યા.
કે.સી. બોકાડિયાએ જણાવ્યું કે, તેઓ ખૂબ સારા સ્વભાવના હતા. ખૂબ સારા માણસ અને ખૂબ સારા કલાકાર હતા. તેમની સાથે ક્યારેય પૈસાની તકલીફ થતી નહોતી. તેમની સાથે ક્યારેય કરાર થતો જ નહોતો. તેઓ અવારનવાર કહેતા કે, ‘બોકાડિયા સાહેબ! શું સાથે લઈને જઈશું, અંતે તો આ વાતો જ રહી જવાની છે. હું પ્રયત્ન કરું છું કે મારા લીધે કોઈને ઠેસ ન પહોંચે. જીભથી કોઈના પર પ્રહાર કરતો નથી.’ધર્મેન્દ્રને બેડમિન્ટન રમવાનો ખૂબ શોખ હતો.
કે.સી. બોકાડિયાએ જણાવ્યું કે, મદ્રાસમાં શૂટિંગ કરતી વખતે તેઓ મારા બંગલા પર બેડમિન્ટન રમવા આવતા હતા. હકીકતમાં જ્યારે ધર્મેન્દ્ર મદ્રાસમાં ફિલ્મ ‘ઇન્સાફ કૌન કરેગા’નું શૂટિંગ કરવા આવ્યા હતા, ત્યારે ખબર પડી કે તેમને બેડમિન્ટન રમવાનો શોખ છે. તેમના માટે 24 કલાકની અંદર પોતાના બંગલામાં બેડમિન્ટન કોર્ટ બનાવી દીધું.
આ વાતથી તેઓ ખુશ થઈને બોલ્યા- ‘બોકાડિયા સાહેબ! તમે તો કમાલ કરી દીધી.’ તેઓ મારા ઘરે જ શાકાહારી ભોજન ખાતા હતા. હું કહેતો હતો કે, સોરી સર! હું નોનવેજ આપતો નથી. ત્યારે તેઓ કહેતા હતા કે, ‘હું જાટ માણસ છું. આમ પણ નોનવેજ ક્યાં પસંદ કરું છું. તમે જે ખવડાવશો, ખાઈ લઈશ. હું અનાજની કદર કરું છું. હું આ વાતોમાં ગૂંચવાતો નથી.’ ખૂબ જ સરળ માણસ હતા.