રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહનીએ તાજેતરમાં ફ્લાઇટમાં મુસાફરી કરી હતી. એક ગડબડથી તે ગભરાઈ ગઈ હતી. તેની દીકરી સમારા પણ તેની સાથે મુસાફરી કરી રહી હતી અને તે પણ ગભરાઈ ગઈ હતી. રિદ્ધિમાએ જણાવ્યું કે, ફ્લાઇટ લેન્ડિંગ થઈ રહી હતી, પરંતુ લેન્ડિંગ પછી તરત જ, ફ્લાઇટે ફરીથી ઉડાન ભરી, જેનાથી દરેક મુસાફરના ધબકારા વધી ગયા હતા.
‘થોડી સેકેન્ડ્સ માટે અમારા ધબકારા થંભી ગયા હતા’રિદ્ધિમાએ સોશિયલ મીડિયા પર આ ઘટના શેર કરી. તેણે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું, ‘આજે, મેં અને મારી દીકરીએ એક એવો ક્ષણ અનુભવ્યો, જે હું ક્યારેય ભૂલીશ નહીં
. અમારી ફ્લાઇટ જમીન ઉપર ઉતરી જ હતી કે અચાનક ફરીથી ઉડાન ભરી. તે થોડીક સેકન્ડોમાં, અમારા હૃદય થંભી ગયા. મેં તેનો (દીકરી સમારા) હાથ મજબૂતીથી પકડી રાખ્યો કારણ કે, તે ભયભીત આંખોથી મારી સામે જોઈ રહી હતી, અને મેં ફક્ત તેના માટે મજબૂત રહેવાનો પ્રયાસ કર્યો, અને મારા શ્વાસને નિયંત્રિત કર્યા.’
‘હાલમાં અમે સુરક્ષિત છીએ’રિદ્ધિમાએ આગળ લખ્યું, ‘અમે થોડા સમય માટે આઘાતમાં હતાં, પરંતુ અમે સુરક્ષિત છીએ. અને અંતે, તે જ સૌથી મહત્વપૂર્ણ છે. આવા અનુભવો તમને હચમચાવી નાખે છે, પરંતુ તે તમને યાદ અપાવે છે કે, જીવન કેટલું નાજુક અને કિંમતી છે.’રિદ્ધિમાએ પોતાની પોસ્ટમાં ફ્લાઇટ વિશે કોઈ વિગતો શેર કરી નથી. જોકે, આ પોસ્ટ ઉપરાંત, રિદ્ધિમાએ એક સ્ટોરીમાં એવું પણ લખ્યું, ‘આભાર, ગુરુજી.’
રિદ્ધિમા કપૂર સાહની ઋષિ કપૂર અને નીતુ સિંહની દીકરી છે. રિદ્ધિમા એક ફેશન ડિઝાઇનર છે, જેના લગ્ન ભરત સાહની સાથે થયા હતા. આ દંપતીને એક દીકરી, સમારા છે. રિદ્ધિમા કપૂર ટૂંક સમયમાં કપૂર પરિવાર સાથે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સની સિરીઝ ‘ડાઇનિંગ વિથ ધ કપૂર્સ’માં જોવા મળશે. આ સિરીઝમાં કરીના કપૂર, સૈફ અલી ખાન, રણબીર કપૂર, અરમાન જૈન, નીતુ કપૂર અને બબીતા કપૂર પણ જોવા મળશે. આ સિરીઝ 21 નવેમ્બરના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે.